ચાર સંતાનો-પત્નીને તરછોડી ડાકોરમાં બીજો સંસાર માંડી લીધો અને સર્જાયો ઝંઝાવાત
ડીંડોલીમાં રહેતાં ૨૩ વર્ષીય યુવકે ૧૮ વર્ષે મૃત મનાતા પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢયા હતા. ૨૦૦૫માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતા ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં ૧૮ વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સાણીયા-કણદે ગાંજરીયા ટેકરી વિસ્તારમાં રહેતાં ૨૩ વર્ષીય મહાવીર યુવક નાના ભાઈ અને બહેન કંચનબેન (ઉ.વ. ૨૧), ગાયત્રીબેન (ઉં.વ. ૧૯) અને (ભૂમિકા (ઉ.વ. ૧૩) તથા માતા રમીલાબેન સાથે રહે છે. તે જ્યારે પાંચ વર્ષનો હતો અને તેઓ ડીંડોલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા હતા ત્યારે જે પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરૂભા ચુડાસમા (મૂળ રહે, ડાકોર, પોલારપુર ગામ, તા. બરવાળા, જી. બોટાદ) કામધંધો શોધવા બહારગામ ગયા બાદ કદીયે પરત ફર્યા ન હતા. તેમના પરિજનો તથા મિત્ર વર્તુળે એ મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું.? આઠેક મહિના પહેલાં યુવક ફેસબુક સર્ફિંગ કરતો હતો. ત્યારે અમસ્તા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાંખીને સર્ચ કરતાં આશ્ચર્યજનક આઘાતથી ચીસ પાડી ઊઠયો હતો. પિતાના નામથી ફેસબુક પ્રોફાઈલ બની હતી અને તેમાં એક ફોટો પણ હતો.માતા રમીલાબેનને બતાવતાં તે પણ ઉછળી પડી હતી. ફેસબુકમાં તેમનો પતિ જીવિત અને સાજોસમો હતો.અહીં નંબર પણ આપવામાં આવ્યો હોવાથી માતા-પુત્રએ ફોન કરતાં સામી વ્યક્તિએ પહેલાં પોતે જુઠાણું ચલાવ્યું હતું. પરંતુ બાદમાં પોતે મહેન્દ્રસિંહ હોવાનું સ્વીકારી લીધું. ૧૮ વર્ષથી પોતાને નિરાધાર માનતું આ પરિવાર મહેન્દ્રસિંહને જોતાં દ્રવી ઉઠયું હતું. પરિવારનો ભેટો થતાં તમામ વ્યક્તિઓ ચોધાર આંસુએ રડયા હતા. મહેન્દ્રસિંહ બધા માટે અવનવી ગિફ્ટ લાવ્યો હતો. સુરતમાં પણ પત્ની અને સંતાનોને નાની મોટી ગિફ્ટ અને દાગીના અપાવ્યા અને બાદમાં પરત જતો રહ્યો હતો. દર ત્રીજા ચોથા દિવસે અવરજવરનો સિલસિલો થોડાક મહિના સુધી ચાલ્યો હતો. પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઈ જતો હતો. પરંતુ મામલો ત્યારે બગડયો હતો. જ્યારે પરિવારે સાથે લઇ જવાની જીદ્દ કરી હતી. પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો.
ડાકોરમાં પત્ની અને સંતાનો વિરૂદ્ધ બ્લેકમેઇલની અરજી કરી
૧૮ વર્ષે કેસબુકથી મળેલા પતિએ બીજાં લગ્નની વાત છુપાવી હતી, પરંતુ રમીલાબેન અને પરિવારે સાથે લઈ જવાની જીદ કરતાં બીજા લગ્ન કરી લીધા હોવાનું અને બીજા લગ્ન થકી જન્મેલી પુત્રીના નામે ન્યુ રિદ્ધિ સિધ્ધિ જીન્સ કલોથના નામે દુકાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. અચાનક મળવાનું બંધ કરી દેતાં આ પરિવારે ફરીથી ન્યુ રિદ્ધિ સિદ્ધિ ક્લોથના નામે ઓનલાઇન સર્ચ કરતા તે ડાકોરમાં હોવાનું અને તેમાં પિતાનો જ મોબાઇલ નંબર લખ્યો હોઇ. પરિવાર ત્યાં પહોંચી ગયું હતું. તે વખતે તેની બીજી પત્ની જયશ્રીબેનને મળ્યા હતા. અને પોતાનો ભાડો ફુટી જતાં પરિવારને ત્યાથી ધક્કા મારી કાઢી નાંખવાની સાથે ડાકોર પોલીસ મથકે બ્લેઇમેઇલિંગની અરજી કરતા પત્ની રમીલાબેને પણ ડીંડોલી પોલીસ મથકનું શરણું લીધું હતું. આ બાબતે સબ ઇન્સપેક્ટર જે.ડી. પંડયાએ તપાસ હાથ ધરી છે
1999માં માતાને ત્યાં જમવા આવતો અને આંખો મળી ગઇ
રમીલાબેન ૧૯૯૯માં માતા મંજુબેન સાથે રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતી હતી. માતા ઘરે જમવાનું બનાવતી હોવાથી મહેન્દ્રસિંહ જમવા આવતો ત્યારે રમીલા સાથે આંખો મળી જતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પિતાને લગ્ન મંજૂર નહિ હોવાનું જણાવી તે ઘરે રહેતો ન હતો. ૨૦૦૧માં કોઇ ગુનામાં પોલીસે પકડતા સસરા સુરત આવ્યા હતા અને પુત્રવધુ રમીલા સાથે રહેશે તો જ જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. બંને ડિંડોલીમાં મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા અને ચાર સંતાનો પણ થયા હતા