ક્યા અભિનેતા,કઈ સાલ માં,કઈ પાર્ટી માંથી રાજકિય નેતા બન્યા
રાજનીતિ અને ફિલ્મી દુનિયા સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે. ફિલ્મસ્ટાર રાજકારણમાં પગલાં માંડે છે ત્યારે એને પોતાનું સેલિબ્રિટી સ્ટેટસ અને લોકપ્રિયતા ખૂબ ઉપયોગી બને છે
ધર્મેન્દ્ર (ભાજપ):
‘શોલે’ના જય, બસંતી અને રાધા જો રાજકારણના રંગે રંગાયાં હોય તો વીરુ શા માટે પાછળ રહી જાય? ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન તેમણે લોકસભામાં બિકાનેર (રાજસ્થાન)નું પ્રતિનિધિત્વ કર્યું. તકલીફ એ હતી કે તેઓ સંસદમાં ભાગ્યે જ હાજર રહેતા. આ માટે એમની સારી એવી ટીકા પણ થઈ હતી.
અમિતાભ બચ્ચન (કોંગ્રેસ, સપા)
બચ્ચન પરિવાર એક સમયે ગાંધી પરિવારથી ખાસ્સો નિકટ ગણાતો હતો. તેથી જ એક્ટિંગ કરીઅરમાંથી બ્રેક લઈને એમણે રાજીવ ગાંધીના કહેવાથી ૧૯૮૪માં અલાહાબાદ (પ્રયાગરાજ) મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું. હેમવતીનંદન બહુગુણા જેવા સિનિયર પ્રતિસ્પર્ધીને એમણે ૬૮ ટકા જેવા જબરદસ્ત માર્જિનથી હરાવ્યા. કમનસીબે ૧૯૮૭માં બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું, જેમાં અમિતાભ અને એમના ભાઈ અજિતાભની ખૂબ બદનામી થઈ. એ જ વર્ષે જુલાઈ મહિનામાં બચ્ચનબાબુએ સાંસદ તરીકે રાજીનામું આપી દીધું. એમની કંપની એબીસીએલના ધબડકાને કારણે જે ઘા પડ્યા હતા તેમાંથી બહાર આવવા માટે મિત્ર અને સમાજવાદી પક્ષના નેતા અમર સિંહે એમને ખૂબ મદદ કરી. ગાંધી પરિવાર સાથે દૂરીયા વધતી ગઈ અને બચ્ચન પરિવાર સમાજવાદી પાર્ટીથી નિકટ થતો ગયો.
હેમા માલિની (ભાજપ)
હેમા માલિનીનો રાજકારણ પ્રવેશ આમ તો ૧૯૯૯માં થઈ ગયેલો ગણાય, કારણ કે તે વખતે એમણે પોતાના સાથી કલાકાર વિનોદ ખન્ના માટે પ્રચાર કર્યો હતો. ૨૦૦૪માં હેમા માલિની વિધિવત્ ભાજપમાં જોડાઈ ગયાં. ૨૦૦૩થી ૨૦૦૯ અને પછી ૨૦૧૧-૨૦૧૨ દરમિયાન તેઓ રાજ્યસભાનાં સાંસદ તરીકે કાર્યરત રહ્યાં. વચ્ચે ૨૦૧૦માં એમની ભાજપના જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓ મથુરામાંથી ઊભાં રહ્યાં અને જંગી મતોથી વિજયી બન્યાં. આ વખતની ૨૦૨૪ની ચૂંટણીમાં તેઓ ત્રીજી વખત પોતાના ચિરપરિચિત મતવિસ્તાર મથુરામાંથી લડી રહ્યાં છે
રાજેશ ખન્ના (કોંગ્રેસ):
રાજીવ ગાંધીના આગ્રહથી રાજેશ ખન્નાએ ૧૯૮૪ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. ૧૯૯૧ની લોકસભાની ચૂંટણીમાં નવી દિલ્હીની બેઠક પર એલ.કે. અડવાણી સામે તેઓ ફક્ત ૧૫૮૯ વોટથી હારી ગયા હતા. જોકે ૧૯૯૨ના બાય-ઇલેક્શનમાં તેઓ આ જ બેઠક પરથી શત્રુઘ્ન સિંહાને હરાવીને વિજયી બન્યા. ૧૯૯૬ પછી તેઓ રાજકીય સ્તરે અને ખાસ સક્રિય તો ન રહ્યા, પણ કોંગ્રેસના પ્રચારક બની રહ્યા
રાજ બબ્બર (સ.પા., કોંગ્રેસ):
રાજ બબ્બરે રાજકીય યાત્રાની શરૂઆત ૧૯૮૯થી કરી, વી.પી. સિંહના વડપણ હેઠળ જનતા દળ જોઈન કરીને. ૧૯૯૪માં તેઓ રાજ્યસભાના મેમ્બર બન્યા. ૧૯૯૯માં સમાજવાદી પાર્ટી જોઈન કરીને આગ્રાની બેઠક પરથી લોકસભાની પણ ચૂંટણી લડયા ને જીત્યા. ૨૦૦૪માં પણ તેઓ આ મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા. પક્ષના અગ્રણીઓ સાથે મતભેદ થવાથી સ.પા.માંથી એમને ૨૦૦૬માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અને કોંગ્રેસમાં જોડાઈને તેઓ ૨૦૦૯માં ફિરોઝાબાદ માં બાય-ઇલેક્શન લડ્યા અને વિજયી બન્યા. જોકે ૨૦૧૪ની અને ૨૦૧૯ની લોકસભાની બન્ને ચૂંટણીઓ તેઓ હારી ગયા.
વિનોદ ખન્ના (ભાજપ):
ભાજપમાં જોડાઈને વિનોદ ખન્ના ૧૯૯૭ અને ૧૯૯૯ એમ બે વખત લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુર (પંજાબ) મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા. ૨૦૦૨માં તેઓ કેન્દ્રિય મંત્રી બનીને કલ્ચર એન્ડ ટુરિઝમ મિનિસ્ટ્રી સંભાળી. ત્યાર બાદ વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કામ કર્યું. ૨૦૦૪માં ગુરૂદાસપુર મતવિસ્તારમાંથી તેમણે વિજય મેળવ્યો, ૨૦૦૯ની ચૂંટણીમાં હાર્યા, ને ૨૦૧૪માં પુનઃ જીત્યા. લોકસભાની ચાર-ચાર ચૂંટણીઓ (૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૧૪)માં વિજય મેળવ્યો હોય તેવા વિનોદ ખન્ના એક માત્ર ફિલ્મસ્ટાર છે.
જયા બચ્ચન (સમાજવાદી પાર્ટી):
તેઓ ૨૦૦૪માં સમાજવાદી પાર્ટીના સભ્ય તરીકે રાજ્યસભાના ની સદસ્ય બન્યાં ને ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. પ્રથમ કાર્યકાળ બે વર્ષ ચાલ્યો. ૨૦૦૯, ૨૦૧૨ અને પછી ૨૦૧૮માં તેઓ પુનઃ ચુંટાઈ આવ્યાં. રાજ્યસભામાં હાલ ચોથો કાર્યકાળ ચાલે છે. સમાજવાદીપક્ષનાં સભ્ય હોવા છતાં ૨૦૨૧માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.
નરગીસ – સુનીલ દત્ત (કોંગ્રેસ)
હિન્દી સિનેમાની મહાનતમ અભિનેત્રીઓમાની એક નરગીસને ૧૯૮૦માં રાજ્યસભાનું સભ્યપદ મળ્યું. તેના બે વર્ષ પછી, ૧૯૮૨માં, નરગીસના પતિ અને લોકપ્રિય અભિનેતા સુનીલ દત્તની એક વર્ષ માટે મુંબઈના શેરીફ તરીકે નિમણૂક થઈ હતી. ૧૯૮૪માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. સંસદમાં એમણે મુંબઈ નોર્થ-વેસ્ટ મતવિસ્તારનું પાંચ ટર્મ માટે પ્રતિનિધિત્વ કર્યું. ૨૦૦૪- ૨૦૦૫ દરમિયાન, મનમોહન સિંહની સરકારમાં, તેઓ મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ બન્યા હતા.
સ્મૃતિ ઇરાની (ભાજપ)
સ્મૃતિ ઇરાની ફિલ્મસ્ટાર ક્યારેય નહોતાં, પણ ટીવી સ્ટાર તરીકે તેઓ ઘર-ઘરમાં જાણીતાં હતાં. ‘ક્યુંકિ સાસ ભી કભી બહુ થી’ની આ તુલસીએ ૨૦૦૩માં ભાજપ જોઈન કર્યું. ૨૦૦૪માં મહારાષ્ટ્ર યુથ વિંગના વાઇસ પ્રેસિડન્ટ બન્યાં. ૧૪મી લોકસભાની ચૂંટણીમાં તેઓ દિલ્હીના ચાંદની ચોક મતવિસ્તારમાંથી કપિલ સિબલ સામે હાર્યાં. ૨૦૧૧માં ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે રાજ્યસભાનાં સદસ્ય બન્યાં. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને એમણે મોટો અપસેટ સર્જ્યો. મોદી સરકારમાં તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી બન્યાં. ૨૦૧૬માં એમને મિનિસ્ટ્રી ઓફ ટેક્સ્ટાઈલનો અને ૨૦૧૭માં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બોડકાસ્ટનો હવાલો સોંપવામાં આવ્યો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પુનઃ અમેઠીથી ચૂંટાઈ આવ્યાં પછી એમને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો. મિનિસ્ટ્રી ઓફ માઈનોરિટી અફેર્સના કર્તાધર્તા પણ સ્મૃતિ ઇરાની જ છે.
કિરણ ખેર (ભાજપ):
તેઓ ૨૦૦૯માં ભાજપમાં જોડાયાં. ચંડીગઢની મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓમાં તેમણે ખૂબ પ્રચાર કર્યો. ૨૦૧૪માં એમને ચંડીગઢ મતવિસ્તારમાંથી લોકસભાની બેઠક માટે ટિકિટ આપવામાં આવી, જેમાં એમની જીત થઈ. ૨૦૧૯ની ચૂંટણીમાં એમના વિજયનું પુનરાવર્તન થયું.
શત્રુઘ્ન સિંહા (ભાજપ, કોંગ્રેસ, ટીએમસી):
એમણે રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના ઉમેદવાર તરીકે નવી દિલ્હીના બાઈ-ઈલેક્શનમાં ભૂતપૂર્વ કોંગ્રેસી સુપરસ્ટાર રાજેશ ખન્ના સામે લડવાથી થઈ, જેમાં તેમની હાર થઈ હતી. રાજ્યસભાના સદસ્ય તરીકે તેઓ બે વખત ચુંટાયા – ૧૯૯૬માં અને ૨૦૦૨માં.. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર (૨૦૦૨-૦૩) અને પછી મિનિસ્ટર ઓફ શિપિંગ (૨૦૦૩-૦૪) બન્યા. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં એમણે પટણા સાહેબ મતવિસ્તારમાં ફિલ્મસ્ટાર શેખર સુમનને હરાવ્યા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પણ તેઓ જીતી ગયા. ૨૦૧૯માં જોકે એમને ટિકિટ આપવામાં ન આવી. ભાજપને અલવિદા કહીને તેઓ કોંગ્રેસમાં જોડાયા, પટણા સાહેબમાંથી ચૂટણી લડયા, પણ ભાજપના રવિશંકર પ્રસાદ સામે હારી ગયા. ૨૦૨૨માં તેમણે તૃણમૂલ કોંગ્રેસમાં ઝંપલાવ્યું. ૨૦૨૨માં અસાનસોલ બાઈ-ઇલેક્શન જીતીને તેઓ પુનઃ લોકસભાના સાંસદ બન્યા.
સની દેઓલ (ભાજપ):
તેઓ ૨૦૧૯માં ભાજપમાં જોડાયા અને ગુરદાસપુર (પંજાબ) મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝુકાવીને જીતી પણ ગયા. તકલીફ એક જ હતી – સંસદમાં એમની અત્યંત હાજરી! સાંસદોની અટેન્ડન્સની નેશનલ એવરેજ ૭૯ ટકા હતી, જ્યારે સનીસાહેબની અટેન્ડન્સ હતી ૧૮ ટકા ફક્ત.
પરેશ રાવલ (ભાજપ):
પરેશ રાવલ (ભાજપ)રેશ રાવલે ભાજપ સાથે હાથ મિલાવીને ૨૦૧૪માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને વિજય પણ મેળવ્યો. અભિનેતા તરીકે ખૂબ માન-સન્માન મેળવનાર પરેશ રાવલની રાજકીય કારકિર્દી ફક્ત એક જ ટર્મ પૂરતી સીમિત રહી.
નરેશ કનોડિયા (ભાજપ):
ગુજરાતી સિનેમાના ઉપેન્દ્ર ત્રિવેદી પછીના સુપરસ્ટાર. ભાજપની ટિકિટ પર કરજણ મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેઓ ૨૦૦૨થી २००७ દરમિયાન ગુજરાત વિધાનસભાના સદસ્ય બન્યા હતા
પવન કલ્યાણ (જન સેના પાર્ટી, ભાજપ):
પવન કલ્યાણ સગા મોટા ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ્ પાર્ટીમાં યુથ પ્રેસિડન્ટ બન્યા. ચિરંજીવીએ પોતાના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દીધો તે એમને ગમ્યું નહોતું. ૨૦૧૪માં એમણે ખુદની જન સેના પાર્ટી સ્થાપી. ૨૦૧૯માં તેમણે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૦ ઉમેદવારો ઊભા રાખ્યા, જેમાંથી ફક્ત એકની જીત થઈ. પવન કલ્યાણ પોતે હારી ગયા હતા. હવે જન સેના પાર્ટીએ ભાજપ સાથે હાલ મિલાવ્યા છે.
ચિરંજીવી (પીઆરપી, કોંગ્રેસ):
સુપરહિટ તેલુગુ સ્ટાર ચિરંજીવીએ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. ૨૦૦૮માં તેમણે પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી અને પછીના વર્ષે આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ઝૂકાવ્યું તેમની પાર્ટીએ ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો. આ પાર્ટી ૨૦૧૧માં કોંગ્રેસમાં ભળી ગઈ. ૨૦૧૨માં તેઓ રાજ્યસભાના સદસ્ય પણ બન્યા અને તેમને રાજ્યકક્ષાના ટુરિઝમ મિનિસ્ટર (ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ) બનાવવામાં આવ્યા. ૨૦૧૮ સુધી તેઓ સાંસદ તરીકે સક્રિય રહ્યા.
રજનીકાંત (રજની મક્કલ મંદ્રમ):
ભારતીય સિનેમાના દંતકથારૂપ સ્ટાર એવા રજનીકાંતે ૨૦૧૭માં રાજકારણ-પ્રવેશ કર્યો. એમણે મોટા ઉપાડે રજની મક્કલ મંદ્રમ નામની પોલિટિકલ પાર્ટી બનાવી અને ઘોષણા પણ કરી કે ૨૦૨૧માં તમિળનાડુ વિધાનસભાની તમામ બેઠક પર અમારો ઉમેદવાર ઊભો રહેશે. એવું કશું ન બન્યું. નાદુરસ્ત તબિયતને કારણે એમણે પાર્ટી વિખરી નાખવી પડી. ભવિષ્યમાં તેઓ પુનઃ રાજકારણ-પ્રવેશ કરે તેવી શક્યતા હવે નહીંવત્ છે. એક સમયે જયલલિતાનો ઘોર વિરોધી રહેનારા રજનીકાંત, નરેન્દ્ર મોદીના પ્રશંસક છે
કમલ હાસન (એમએનએમ):
કમલ હાસને તમિળનાડુમાં ૨૦૧૮માં ખુદનો રાજકીય પક્ષ સ્થાપ્યો – મક્કલ નીધિ માઈમ (એમએનએમ). ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૭ બેઠકો પરથી એમણે ઝુકાવ્યું અને હાર પામ્યા. ૨૦૨૧માં એમણે તમિળનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ, અને ફરીથી હાર્યા. ભારતીય સિનેમાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં હકથી સ્થાન પામતા કમલ હાસન જોકે નેતા તરીકે નિષ્ફળતાને વર્યા છે.
કંગના રનૌત (ભાજપ):
ફિલ્મલાઈનમાંથી રાજકારણમાં પ્રવેશનાર લેટેસ્ટ હસ્તી છે, કંગના રનૌત. પોતાની જમણેરી વિચારધારા માટે જાણીતી કંગનાએ ભાજપમાં વિધિવત્ પ્રવેશ કર્યો ત્યારે કોઈને આશ્ચર્ય થયું નહોતું. એ હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી ૨૦૨૪ની વર્તમાન લોકસભા ચૂંટણી લડી રહી છે.
માહિતી રાજકુમાર પરમાર