તારિખ ૨૫ મેનો દિવસ રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજે રાજકોટમાં આવેલા ટી આર પી ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નિર્દોષ બાળકો સહિત ૨૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે । પૂજ્ય મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી હતી અને તે દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાઘુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળી તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખનું ) તુલસીદલ સમર્પિત કર્યું છે. વિરપુરના પૂજ્ય જલારામ બાપા પરિવારના શ્રી ભરતભાઈ ચાંદરાણી દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. કથા પ્રારંભે પૂજ્ય મોરારીબાપુએ રામનામની ધૂન બોલાવી, રામરક્ષા સ્તોત્રનાં મંત્રોચ્ચાર સાથે અને અત્યંત આર્દ્ર હ્રદયે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. પૂજ્ય મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.
માહિતી જયદેવભાઈ માંકડ
રિપોર્ટર રાજકુમાર પરમાર